10 નાની અને માર્મિક ગુજરાતી બોધ કથાઓ

 " ૧૦ નાની અને માર્મિક ગુજરાતી બોધ કથાઓ " 



" ૧૦ નાની અને માર્મિક ગુજરાતી બોધ કથાઓ " :-

    મિત્રો , આજે હું તમને નાની નાની ૧૦ ગુજરાતી બોધ કથાઓ શેર કરી રહ્યો છું. આ દરેક કથા વાંચ્યા પછી બે મિનીટ માટે વિચાર કરજો કે આપણા જીવનમાં તેનો બોધ પાઠ કેવી રીતે લાગુ કરી શકાય. બહુજ માર્મિક કથાઓ છે અને મને વિશ્વાસ છે કે તમને વાંચીને જરૂર આનંદ થશે. જો આ બોધ કથાઓમાં મજા આવે અને ગમે તો અમારી whatsapp ચેનલ માં જરૂર જોડાઓ.અને આવી અવનવી પોસ્ટ તેમજ વાર્તાઓનાં  ખજાનાનો  આનંદ માણો.





નાનકડી કથા - ૧
                   માતાના નામે જે જગ્યા હતી એ પોતાના નામે કરી લેવાની ઈચ્છાથી બંને ભાઈઓ  " માં " પોતાના ઘરે રહે , તે બાબતને લઈને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા. તેઓએ માં ને પૂછ્યું તો માં એ કહ્યું , હું જે ત્રણ ગોળીઓ લઉં છું , તેના નામ બતાવી આપે તેના ઘરે હું જઈશ. આ વાત સાંભળી બંને ભાઈઓ નીચું જોઈ ગયા.
 
નાનકડી કથા - ૨
      ભણવા માટે દુર ગયેલા દીકરાએ માતાને પત્ર લખ્યો કે અહિયાં મારા જમવાની સારી સગવડ છે. તું ચિંતા કરીશ નહી. પત્ર વાંચીને માં એ એક વખતનું ભોજન બંધ કર્યું , કેમકે પત્રના અંતમાં પુત્રના આંસુ થી શાહી બગડેલી હતી.

નાનકડી કથા -૩
      દાદાની લાકડી પકડી ને દાદાને લઇ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, જો જે , ધીમે-ધીમે , દાદા પડી ના જાય , દાદા હસીને બોલ્યા , હું કઈ પડતો હોઉં , મારી પાસે બે લાકડીઓ છે.

નાનકડી કથા - ૪
         કેરીના ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરાની પાછળ રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડીવાર માટે ઝાડના થડ સાથે બાંધી દીધો, કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીએ ફળ આવ્યા નહિ.

નાનકડી કથા - ૫
            ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા, તે જોઇને રાત્રે દીકરી એ પિતાજીનાં પીઠ પર માલીશ કર્યું. આ જોઇને દાદી બોલ્યા થાળીમાંથી વાટકીમાં અને વાટકીમાંથી થાળીમાં.

નાનકડી કથા - ૬
         પિતાજીના ગયા પછી સંપતિની વહેચણી કર્યા બાદ ઘરડી માં ને પોતાના ઘરે લઇ જતી દીકરી બોલી, હું ખુબ નસીબદાર છું, મારા ભાગે તો જીવન આવ્યું છે.

નાનકડી કથા - ૭
     ગઈકાલે મારો છોકરો મને કહે , પિતાજી હું તમને છોડીને ક્યારેય નહી જાઉં, કેમકે તમે પણ કદી દાદા દાદીને છોડીને ગયા નથી. આ સાંભળી ને મને મારા વડીલોની મિલકત મળી ગયા નો આનંદ થયો .

નાનકડી કથા - ૮
       તેના પતિના મિત્ર હોસ્પીટલમાં મળવા આવ્યા જતાં જતાં પરાણે ૫૦૦૦ રૂ/- તેના હાથમાં આપ્યા અને કહ્યું  લગ્નમાં બહેન ને દક્ષિણા આપવાની રહી ગઈ હતી તે દિવસે મળેલી બધી ભેટો માં આ શ્રેષ્ઠ હતી.

નાનકડી કથા- ૯
               આજે ઓફિસથી છુટીને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી, પણ સાસુજી ને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલ્દી પહોચી ગઈ. જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજી એ કહ્યું ચાલ જલ્દી, હાથ પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે, ઘણાં દિવસથી મને ખાવાનું મન હતું.

નાનકડી કથા- ૧૦
       સાંજના સમયે સુમતિબેન માળા ફેરવતા હતા. ત્યાં છોકરો નોકરીએ થી ઘરે આવ્યો. તેની સાથે મોગરાના ફૂલની સુગંધ આવી. તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથામાં નાખી ને આવશે. પણ ત્યાં તો તેને જોયું કે કૃષ્ણ ભગવાન માટે થાળીમાં મોગરાના ફૂલ હતા ભગવાન પણ ગાલમાં હસતાં હતા.  




🙏 " આભાર " 🙏

No comments

Powered by Blogger.