સાચો મિત્ર - True friend
"સાચો મિત્ર - True friend"
"મારે તો એકપણ સાચો મિત્ર નથી," જો કોઈ વ્યક્તિ એમ કહી રહ્યો હોય તો સમજી લેવું કે, તે પોતાના જીવનનાં એક મહત્ત્વપૂર્ણ અંગને ચૂકી રહ્યો છે. પાકા મિત્રો વગરનું આ જીવનતો જાણે ભભુકતા કોલસા ઉપર ઉઘાડા પગે ચાલવા જેવું છે. મેં કેટલાય ના મુખે સાંભળ્યું છે કે "મારે તો આંગળી ના વેઢે ગણાય એટલાજ મિત્રો છે". તો કેટલાય તો એવું પણ કહેતા ફરે છે કે, હું મિત્રો ના નામ લઈ લઈ ને થાકી જઈશ અને તમે સાંભળતા સાંભળતા થાકી જશો,એટલી લાંબી મારા મિત્રોની યાદી છે.
ખેર, જો તમે આ દ્રિતીય શ્રેણીના લોકોમાં આવતા હોય તો સમજી લો કે તમે દુનિયાના સૌથી નસીબવાન વ્યક્તિ છો. તમે કંઈક ખાસ છો.'' અહીં એક વાત જરૂર નોંધવા જેવી છે કે, તમારા મતે પાકા મિત્રની પરિભાષા શું છે.
કેટલાક લોકો પાસે અસંખ્ય મિત્રો તો હોય છે પણ તેમાંથી પાકા મિત્ર નો ટ્રેડમાર્ક કોને આપવો તે સ્વયં પોતે પણ નક્કી કરી શકતા નથી પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, સાચો મિત્ર કહેવો તો કોને કહેવો?
શું તમે તમારો પાકો મિત્ર એને કહેશો કે જે આખો દિવસ તમારી પાછળ ગુંદરની જેમ ચોટેલો રહે? પોતાનો અમૂલ્ય સમય તમારી પાછળ ખર્ચ કરતો રહે? જો તમારા ઘરનું એકાદું નળિયું પણ તૂટી ગયું હોય તો તે પોતાની જાતે ખુદ ઉપર ચઢીને ફીટ કરી દે.
કે પછી એને પાકો મિત્ર કહેશો કે, જે આખા અઠવાડિયા દરમિયાન કામ માં વ્યસ્ત રહે અને અને જ્યારે પણ તમે એને મળવા બોલાવો ત્યારે તે ના આવવાનું કોઈ ને કોઈ બહાનું શોધતો રહે. કે પછી એવા મિત્રોને પાકા મિત્રો કહીશો જે તમારા ઘરનું નળિયું ફીટ થઈ ગયાં બાદ તમારી પાસે આવીને કહે કે, '' યાર મને પહેલા કહેવું જોઈતું હતું ને જો ખબર હોત તો હું જ નળિયું ફીટ કરી દેત વાંધો નહીં હવે જો બીજી વખત ઘરનું નળિયું તુટે તો સૌથી પહેલા મને કહેજે.''
તમે એવા વ્યક્તિને તો તમારો પાકો મિત્ર નહીં કહો ને કે જેઓનો ચહેરો તમારે દરરોજ ના ઈચ્છવા છતાં પણ તમારા ઓફિસના બોસની માફક જોવો પડતો હોય અને તેમના દાનવો જેવા વર્તન નો ભોગ બનવું પડતું હોય, એવા મિત્રોને તો તમે પાકા મિત્રો નહીં ગણતા હોવ કે જે પાર્ટીઓમાં તમારી પાસે જ ઉભા હોય, બે ત્રણ દિવસે તમને ફોન કરતા રહે, સલાહ સૂચનો આપતાં રહે.
ઑફિસે થી છૂટયા બાદ જ્યાં સુધી તમે ઘરે ના પહોચો ત્યાં સુધી આખા રસ્તે દેશમાં પ્રવર્તતી આર્થિક મંદીની વાતો કર્યા કરે, પેટ્રોલે રૂપિયા બે અને ડીઝલમાં રૂપિયા 1 નો વધારો થયો છે તે વારંવાર યાદ દેવડાવીને તમારુ ટેન્શન વધારતા રહે, તમારે કયાં કલરનો શર્ટ પહેરવો જોઈએ અને કેવા કલરનો નહીં એ અંગેની વણજોઈતી ટિપ્પણીઓ કરતા રહે. એવું કડવું સત્ય જે તમે સાંભળવા ઈચ્છતા ન હોય તેમ છતાં પણ તમારા કાનમાં આગળી નાખીને પોતાના મુખેથી ઓકતા રહે.

Post a Comment