પ્રાર્થનાનો સાચો અર્થ સમજો અને ઈશ્વરને પ્રાપ્ત કરો....( Understand the True meaning of Prayer and Receive God )
પ્રાર્થના ફાઈલ ડાઉનલોડ કરવા આ લેખને અંત સુધી વાંચો.
📚 પ્રાર્થના એટલે સાચી ભક્તિ સાથેનો ભાવ ઈશ્વર સમક્ષ રજુ કરવો. લોકોના મગજમાં " પ્રાર્થના " ની અલગજ વ્યાખ્યા સ્થાપિત થઇ ગઈ છે. લોકો પોતાની પાસે જે કઈ ખૂટતું હોય એને પ્રાપ્ત કરવા ઈશ્વરને વારંવાર વિનંતિ ( પ્રાર્થના ) કરતા હોય છે, પણ ખરા અર્થમાં પ્રાર્થના એટલે ભક્તિભાવ સાથે આપવું, નહિ કે માંગવું .
📚 પ્રાર્થના અલગ-અલગ સ્વરૂપે રજુ કરી શકાય છે. આપની અંદરનો જે ભાવ છે એને મંત્ર સ્વરૂપે , સંગીત સ્વરૂપે , નૃત્ય સ્વરૂપે , ભજન સ્વરૂપે, આરતી સ્વરૂપે , કોઈપણ સ્વાર્થ વગર રજુ કરવો એને સાચી પ્રાર્થના કહેવાય છે.
📚 મનુષ્યના જીવનમાં પ્રાર્થના ખુબજ મહત્વનો ભાગ ભજવી શકે છે. તમારું મન નિષ્કપટ , ઉદાર ,સીધું-સરળ , માનવતાભર્યું ઇશ્વરિય દ્રષ્ટિકોણવાળું હોય તો તમને જેટલું ઈશ્વર પ્રત્યે આકર્ષણ છે એનાથી અનેક ઘણું ઈશ્વરને પણ તમારા પર રહેશે. ધીરે-ધીરે ઈશ્વરને તમારી ડગલે ને પગલે ચિંતા થવા માંડશે. તમારા પર આવનારી આફત વિશે તમને અગાઉથી સંકેત દ્વારા જાણ કરતા રહેશે. ઘડી-ઘડી ઈશ્વર તરફથી સંકેત મળતા તમારા વિશ્વાસમાં વધારો થશે અને તમે ફળની કે કાલની ચિંતા નહિ કરો. આનાથી તમારી પ્રાર્થના કોઈ પણ ફળ કે આશા-અપેક્ષા વગરની બની જશે.
📚 ઈશ્વર તમારી વધુ સમીપ આવશે. તમે જે પ્રાર્થના કરો છો એના તરંગો આકાશ માર્ગે ઈશ્વર સુધી ઝડપથી પહોચી જાય છે. પછી ઈશ્વર અને ભકત વચ્ચે કોઈ અંતર રહેતું નથી. આવો નિસ્વાર્થ ભક્તિભાવ ઈશ્વરને સ્પર્શી જાય છે.
📚 જે મનુષ્ય આશા-અપેક્ષા કે કંઇ માગવા સાથે પ્રાર્થના કરે છે તેની પ્રાર્થના ઈશ્વર સુધી પહોચતી નથી. એ પ્રાર્થનાનાં તરંગો આકાશમાં અધવચ્ચે જ વિખેરાઈ જાય છે. જનમો-જનમ આ ચક્કર ચાલ્યા કરે છે. તમારો સ્વભાવ નિર્દોષ , માનવતાભર્યો, કોઈપણ લોભ-લાલચ વગરનો હોય તો તમે કરેલી પ્રાર્થનાનું ફળ વગર માગ્યે મળી જાય છે.
📚 ફક્ત ઈશ્વરના સંકેતને સમજવાની જરૂર છે. ઇશ્વરીય સંકેત ત્યારે જ સમજાય જયારે તમારું મન જાગ્રત થાય. ક્યારે , કેમ, તમારી સાથે ઘટના બની એની સમજ પડે એટલે તમારું મન જાગ્રત થઇ ગયું કહેવાય.
📚 લગ્ન પહેલા છોકરા -છોકરીઓને નવા નવા એકબીજાને મળવામાં જે ઉત્કંઠા હોય છે. એવી ઉત્કંઠા ભક્તિભાવ સાથે ઈશ્વર સાથે રાખવાથી કોઈપણ મંદિરમાં જવાની જરૂર રહેતી નથી. ઈશ્વર પણ તમને મળવા એટલા જ ઉતાવળાં બની જશે.
📚 ઈશ્વર પણ માનવતા ભર્યા, ભોળા ,નિર્દોષ ભક્તોની શોધમાં જ હોય છે. અને તમારા ઘરમાં પણ પ્રવેશ કરશે. પ્રાર્થનામાં જે શક્તિ છે એ બીજે ક્યાંય નથી. આ જ પ્રાર્થના અસંભવને પણ સંભવ બનાવી દે છે.
📚 ભારતને આઝાદ કરાવવા માટે ગાંધીજી પાસે સૌથી મોટું શસ્ત્ર તેમની સાચી પ્રાર્થના જ હતી. તેઓ રોજ સવાર-સાંજ નિયમિત પ્રાર્થના કરતા , સાથે સાથે એનાથી બીજાનાં દુઃખ દુર કરવાની કોશિશ કરતા. મીરાબાઈ એ પણ પોતાની સાચી ભક્તિ પ્રાર્થના , કવિતા ,ભજન દ્વારા ઈશ્વર સમક્ષ રજુ કરી હતી. એવી જ રીતે નરસિંહ મહેતા પણ ભજન, કવિતાના સ્વરૂપે ભક્તિ કરીને ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે. કહેવાનો મતલબ એ છે કે સાચી ભક્તિ -પ્રાર્થના દ્વારા ઈશ્વર અવશ્ય પ્રાપ્ત થાય છે. આને માટે તમારે તમારો દ્રષ્ટિકોણ બદલવાનો રહેશે.
પ્રાર્થનાની ઉત્પતિ :-
ઈશ્વરની મૂર્તિ અસ્તિત્વમાં આવી તે પહેલાં આપણાં પૂર્વજો કુદરતની અપાર લીલાનું અહોભાવની લાગણી સાથે સન્માન કરતાં. આ વિશાળ બ્રહ્માંડ નો કોઈ રચયીતા હશે એમ માની પરમ તત્વના ગુણ-ગાન ગાવા પ્રેરિત થતાં. કદાચ આપણાં પૂર્વજોની ઋષિ-મુનિઓની આ પ્રથામાં ભાવાત્મક પ્રાર્થના હતી.
મૂર્તિ કે મંદિરની જરૂર નથી :-
વર્ષો પહેલાની આવી પ્રાર્થનાને કોઈ મંદિર , મસ્જીદ , ચર્ચ, ગુરુદ્વારા કે ઈશ્વરને કોઈ મૂર્તિની આવશ્યકતા ન હતી. આવી પ્રાર્થનાને સમય, ભાષા ,ધર્મ કે સંપ્રદાયનાં કોઈ બંધન ન હતા. ઈશ્વરની મૂર્તિ અસ્તિત્વમાં આવતા આવી ભાવાત્મક પ્રાર્થનાનું સ્થાન ઈચ્છાપૂર્તિ કરતા ઈશ્વરને ખુશામતે લીધું. કાળક્રમે જુદા-જુદા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. દરેક સંપ્રદાયે પ્રાર્થનાની અલગ-અલગ રીતો વિકસાવી. ભાવની જગ્યાએ પ્રાર્થના માટે શબ્દો અસ્તિત્વમાં આવ્યા. ઈશ્વરને પ્રાર્થના માટે વિવિધ મંત્રો , શ્લોકો બન્યા. દરેક ધર્મ અને પ્રાર્થનાનાં હેતુ સર્વશક્તિમાન ઈશ્વરને સ્તુતિ કરી -ગુણગાન ગાવાનો હતો. પરમ તત્વની કૃપા મેળવી , આંતરિક શક્તિ વિકસાવી , આધ્યાત્મિક ઉન્નતિ કરવાનો હતો.
પ્રાર્થના દ્વાર મનનાં આવેગો અને વિકારોથી મુક્તિ :-
શુદ્ધ ભાવથી કરેલી પ્રાર્થના હૃદય , મન તથા આત્માને શુદ્ધ કરે છે. ઈશ્વરના સ્મરણથી તથા તેની કૃપા મળવાની લાગણીથી માનવીનું મન આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે. તેનું મનોબળ દ્રઢ થાય છે. વિકટ પરિસ્થિતિમાં સામનો કરવાની શક્તિ જન્મે છે, મનનાં વિકારો , હતાશા તથા ચિંતા દુર થાય છે. રોગ-પ્રતિકારક શક્તિ વિકસે છે. આધી-વ્યાધિ તથા ઉપાધિથી મુક્તિ મળે છે. અશાંતિ તથા ક્રોધ દુર થાય છે.
પ્રાર્થના અને શ્રધ્ધા :-
પ્રાર્થના ગમે તે સ્થળે ગમે ત્યાં કરી શકાય છે. શ્રધ્ધા આપણાં પ્રાર્થનાનું બળ છે. અહંકાર રહિત , સમર્પિત ભાવનાવાળા મનથી કરેલ પ્રાર્થના શ્રેષ્ઠ ફળ આપે છે. પ્રાર્થનામાં આપણો અવિશ્વાસ અડચણરૂપ બને છે.
આંતરીક શુદ્ધિ અનીવાર્ય :-
આપણે બાહ્ય રીતે સ્વચ્છ નાં હોઈએ તો ચાલે, પરંતુ હૃદય તથાં મનની શુદ્ધિ આવશ્યક છે. પ્રાર્થના વેળાં મન શાંત તથા શૂન્ય હોવું જોઈએ. મન કે હૃદય નફરત , ઈર્ષ્યા , અદેખાઈ કે અપેક્ષાઓના ભારથી મુક્ત હોવું જોઈએ. મન અશાંત હશે તો પ્રાર્થના માટે હાથ જોડાયેલાં હશે, પણ મનમાં મલિનતા ઘુમરાયા કરશે. ગોખી રાખેલી પ્રાર્થના ક્યારે પૂરી થઇ જશે તેનું પણ ભાન નહી રહે.
યંત્રવત પ્રાર્થના નો કોઈ અર્થ નથી :-
હાથમાં માળા ફરતી હશે,ને ખોખરા શબ્દો યંત્રવત બોલાતા રહેશે.અંતરના દ્વાર તો બિડાયેલા જ રહેશે. આવી પ્રાર્થના હૃદય , મનનાં બંધ-બારણે અથડાય , હૃદયને જરા પણ સ્પર્શ કર્યા વગર પૂરી થઇ જશે, આથી યંત્રવત પ્રાર્થનાનો કશો અર્થ નથી.આવી પ્રાર્થના તો ઉલટાનો મનોભાર વધારે છે. અશાંતિ કે મનનાં ઉદ્વેગ શાંત થતાં નથી, ભક્તનું મન અશાનતા જ રહે છે. હૃદય, મન અને ઈશ્વર વચ્ચેનો સેતુ સંધાતો નથી. એવું લાગે છે કે આપણે પ્રાર્થના કરતા યાચના વધુ કરીએ છીએ.
પ્રાર્થનાનો સાચો અર્થ ભીખ નથી :-
આપણી પ્રાર્થનામાં ભાવ હોતો નથી. પરંતુ ભીખ વધુ હોય છે. આપણે માંગણીનું લાબું લચક લીસ્ટ ઈશ્વરના ચરણોમાં ધરી દઈએ છીએ.આપણે પ્રાર્થના સ્વાર્થ માટે કરીએ છીએ. પરમાર્થ માટે કરતા નથી. આપણી પ્રાર્થનામાં ધન અને ઐશ્વર્યની માંગણી હોય છે. આપણે પ્રાર્થના આપણા શરીર સુખ અને દુનિયાના સુખો પુરતી સીમિત થઇ ગઈ છે.
ભગવાન સાથે સોદાબાજી નાં કરો :-
ઈશ્વરને ભોળા તથા મુર્ખ સમજી તેની સાથે લેતી દેતી તથા સોદાબાજી કરીએ છીએ. ઈશ્વરને શ્રીફળ વધેરવાની કે અમુક રકમાં ધરવાના શરતી માંગણી કરતા રહીએ છીએ. આવી પ્રાર્થના સ્વ. તથા પરમાત્મા સાથેની છેતરપીંડીથી વિશેષ નથી. હકીકતમાં પ્રાર્થનામાં ક્યારે પરિણામ મહત્વ નથી હોતું. જો પ્રાર્થના કોઈ ખાસ હેતુ માટે કરાતી હોય તો એ પ્રાર્થના નથી.
પ્રાર્થના ભાષાથી પરે છે :-
વિવિધ ભાષા તો મનુષ્યની શોધ છે. પ્રાર્થના માટે બોલાતા શબ્દો કે મંત્રો તો આપણી રચના છે. પરમાત્માને આવા શબ્દો સાથે કોઈ સંબંધ હોઈ શકે નહિ. ગમે તેવા શબ્દોથી રચિત પ્રાર્થના બોલો પણ તે વેળાં ઈશ્વર સાથે તમારું ભાવાત્મક જોડાણ ના થાય , તો એ પ્રાર્થના શબ્દોના બબડાટ થી કશું વિશેષ નથી.
ભાવપૂર્ણ પ્રાર્થના જ સાચી છે :-
પ્રાર્થના વખતે હૃદયના ઈશ્વરના ભાવથી ભરાઈ નાં જાય , તથા તમારું મન ભાવ-વિભોર નાં થાય , કે તમારી આંખોમાંથી હર્ષના અશ્રુધારા વહેવા નાં લાગે તો સમજ જો કે તમારી પ્રાર્થના ઈશ્વરને પહોચશે નહી. પરમ તત્વ તો શબ્દો રહિત હૃદયની ભાષા જાણે છે. આવી ભાવ-વિભોર હૃદયથી કરેલી પ્રાર્થના તમારા મનની મલિનતા દુર કરી દેશે. હૈયું હળવું કરી દેશે. અંતરમાં આનંદ , સુખ તથા શાંતિની લાગણી પ્રસરાવશે.
ભગવાન ભાવનો ભૂખ્યો છે :-
ઈશ્વર તો અંતર્યામી છે. તે ભક્તના ભાવને વગર જણાવે પણ ઓળખે છે. તમારા ભાવ જ મોબાઈલ નાં નેટવર્ક જેવું કામ કરી તમારી પ્રાર્થનાને ઈશ્વર સુધી પહોચાડે છે. આવી પ્રાર્થના આપણને અંધકારમાંથી ઉજાસ તરફ ,અસત્ય માંથી સત્ય તરફ , નિરાશા માંથી આશા તરફ , સ્વ માંથી પરમ તરફ , અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, સંકુચીતતા માંથી વિશાળતા તરફ દોરી જાય છે. તમારું સમગ્ર અસ્તિત્વ ઓગળી પરમ તત્વમાં એકાકાર થઇ જાય છે. તમને મૃત્યુના ભયમાંથી મોક્ષ તરફ લઇ જાય છે. આ સઘળી વાત પછી તમને થશે કે શું પ્રાર્થના જ નાં કરવી ? પ્રાર્થના માટે શું કરવું ? તો જણાવું કે , પ્રાર્થના અવશ્ય કરવી, પરંતુ પુરા ભાવ સાથે ,તથા શાંત મને અને નિર્મળ હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ.
આદર્શ પ્રાર્થના :-
આપણે આવી પ્રાર્થના કરી શકીએ , " હે ઈશ્વર તે મને વગર માગ્યે ઘણું આપ્યું છે. વિશાળ બ્રહ્માંડ તથા સ્વસ્થ શરીર આપ્યું છે. મારે કશાની જરૂર નથી. બસ, તું મને નકામી ઇચ્છાઓથી બચાવ. મને જગતની અપેક્ષાઓથી મુક્ત કર. સુખ દુઃખમાં સાક્ષી ભાવે રહેવાની ક્ષમતા આપ. દુનિયાની પીડાઓ સહન કરવાની શક્તિ આપ."
પ્રાચીનતમ પ્રાર્થના :-
આ લેખનું સમાપન કરીએ આપણી સંસ્કૃતિએ આપેલ જગતની આ શ્રેષ્ઠ પ્રાર્થનાથી
" असतोमा सद्रमय 1 तमसोमा ज्योतिर्गमय 1 मृत्योर्मामृतं गमय 11 ॐ शान्ति शान्ति शान्ति " 11
અર્થાત હે પરમપિતા મુજને અસત્યથી મુક્ત કરી પવિત્ર સત્ય સુધી પહોચાડો. અંધકારથી કાઢીને જ્યોતિમાં લઇ જાઓ અને મૃત્યુ થી પાર કરી અમરત્વમાં પ્રવેશ અપાવો.
👉 પ્રાર્થના પોથી ની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
Post a Comment